શું તમે જાણો છો કે જિનાલયમાં ઘંટ શા માટે વગાડવામાં આવે છે ?
આપણે બધા જ જિનાલયમાં જઈએ ત્યારે ઘંટ વગાડીએ છીએ. પણ શું તમને ખબર છે જિનાલયમાં ઘંટ શા માટે હોય છે ? આપણે કેવા ભાવથી ઘંટ વગાડવો જોઈએ ?

ઘંટ વગાડવાથી ઉત્પન્ન થતો અવાજ એક આનંદદાયક અને મનને શાંતિ આપતો અવાજ છે. સામાન્ય રીતે ઘંટ એક મંગળ ઘ્વનીના પ્રતીકરૂપે વગાડવામાં આવે છે. ઘંટના અવાજથી તે સાંભળનારને મંદિરની યાદ આવે છે. આથી જ આપણે જયારે ઘંટ વગાડીએ ત્યારે આપણા ભાવ એવા હોવા જોઈએ કે આ ઘંટારવ જ્યાં આપણે નથી પહોંચી શકતા ત્યાં પણ પહોંચી જાય. એ દરેક તીર્થક્ષેત્રો કે જ્યાં આપણે સાક્ષાત કે સૂક્ષ્મ સ્વરૂપે જઈ શકીએ તેવા દરેક તીર્થધામ સુધી આપણા વંદન પહોંચે. ઘંટને માત્ર ત્રણ વખત જ વગાડવો જોઈએ અને જયારે ઘંટ વગાડીએ ત્યારે આપણે મસ્તક ઘંટની નીચે રહેવું જોઈએ.
જિનાલયમાં રહેલ ઘંટ એ આપણી વિશુદ્ધ ભાવનાઓ ફેલાવવા માટેનું એક વૈજ્ઞાનિક યંત્ર છે. જેમ આજના જમનાના આધુનિક દુરસંચાર સાધનો આપની ભાષા અને ચિત્ર એક છેડેથી બીજા છેડે તુરંત પહોંચાડે છે તેમ જ ઘંટારવ પણ આપણને એક માનસિક શાંતિ અર્પે છે. ઘંટના ઘ્વનીથી આપણુ મગજ શાંત થઇ જાય છે. ઘંટ વગાડવાથી પર્યાવરણ પણ શુદ્ધ થાય છે. જિનાલયમાં પંચકલ્યાણક સમયે ઘંટને પણ મંત્રોચાર દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.
મંદિરમાં જઈને ઘંટ વગાડવાનું કારણ નીચેના શ્લોકમાં પણ જણાવવામાં આવ્યું છે.
આગમાર્થ તું દેવાના ગમનાર્થ તુરાક્ષસામ |
કુર્વે ઘંટારવ એવં તત્ર દેવતાહવાનલક્ષણમ ||
જેનો અર્થ થાય છે “હું દેવત્વના આહવાન માટે આ ઘંટ વગાડું છું. જેથી નૈતિક અને મહાન શક્તિઓનો મારા હૃદયમાં પ્રવેશ થાય અને મારી ભીતર અને બહાર આસુરી અને અનૈતિક શક્તિઓનો વિનાશ થાય.”


