
વંશપરંપરાથી કુળના વડીલો દ્વારા જે દેવીની ઈષ્ટદેવી તરીકે પૂજા થતી હોય તે દેવી એટલે કુળદેવી
હિંદુ ધર્મ મુજબ સર્વોચ્ચ સ્થાને માં આદ્યશક્તિ છે. તેમાંથી જ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રાગટ્ય થયું છે, આદ્યશક્તિના સિવાયની બાકી બધી જ દેવીઓને માં પાર્વતીના જ રૂપ માનવામાં આવે છે. ગુજરાતમાં ૫૧ શક્તીપીઠોમાંથી મહત્વની એવી શક્તિપીઠ એટલે માં અંબાજીનું સ્થાનક. એવું મનાય છે કે સતીનું હૃદય આ સ્થળે બિરાજમાન છે. સમાજમાં જેમને ખબર નથી કે તેમના કુળદેવી કોણ છે એ બધા લોકો પણ અંબામાંને પોતાના કુળદેવી માનીને પૂજા કરતા હોય છે,
કુળદેવી માટે એવું કહેવાય છે કે તેઓ કુળના રક્ષક હોય છે. તમારી જે કઈ પણ તકલીફ હોય તેને તે દુર કરે છે. પરંપરા મુજબ કુળદેવીમાં શ્રદ્ધા રાખીને ૩ દિવસ સુધી પાણિયારે દીવો કરનારને કુળદેવી ફળે છે. વંશપરંપરા મુજબ કુટુંબના નિયમ અનુસાર નૈવધ કરવાના હોય છે, નવરાત્રીમાં પૂજા-અર્ચના કરવાની હોય છે, છેડાછેડી છોડવાના કે બાળકના મુંડન જેવા કાર્યો કુળદેવી પાસે જઈને કરવાના હોય છે.
ગુજરાતમાં કુળદેવતા કરતા કુળદેવીને વધુ માનવામાં આવે છે. કેટલીય જ્ઞાતિઓમાં કુળદેવતા નથી પણ લગભગ બધી જ જ્ઞાતિમાં કુળદેવી જરૂર છે.

